October 17, 2005
અનામિ - ' હા' 'ના'
- અનામિ (Aanami - Ha Na. Poems in Gujarati. Literature and art site)
October 17, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
October 01, 2005
હરીન્દ્ર દવે - ને તમે યાદ આવ્યાં
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
-હરીન્દ્ર દવે (Harindra Dave - ne tame yaad aviya. Poems in Gujarati. Literature and art site)
October 1, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (2) | TrackBack
September 28, 2005
ઝવેરચંદ મેઘાણી - કોઇ નો લાડકવાયો
'સમબડિઝ ડાર્લિંગ'નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સ્ત્રી જેવું છે. સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.
- ઝવેરચંદ મેઘાણી
(click here for the original poem by Marie La Coste - Somebody's Darling) (Jhaverchand Meghani - Koi no Ladakvayo Poems in Gujarati. Literature and art site)
September 28, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (5) | TrackBack
September 19, 2005
મુકેશ જોષી - ચોમાસું
લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.
પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઇ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઇ યાદ...
ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઇ દરીઆની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉંન્પાદ ...
- મુકેશ જોષી
(Mukesh Joshi - Chaumasu. Poems in Gujarati. Literature and art site)
September 19, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack
September 05, 2005
દિનેશ કોઠારી - ગૌરવ
ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમ તો વગડાઇ તોયે ફૂલ છું,
કાંટો નથી.
- દિનેશ કોઠારી
(Dinesh Kothari - Gaurav. Poems in Gujarati. Literature and art site)
September 5, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
September 03, 2005
પ્રિયકાંત મણિયાર - આછી જાગી સવાર,
આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. - આછી
પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર - આછી
લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર - આછી
ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર - આછી
- પ્રિયકાંત મણિયાર, ‘પ્રતિક’માંથી (Priyakant Maniyar - Aachi jagi savar. Poems in Gujarati. Literature and art site)
September 3, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
September 02, 2005
દલપતરામ - ઊંટ
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
- દલપતરામ (Dalpatram - Uut Poems in Gujarati. Literature and art site)
September 2, 2005 in કવિતા (kavita), બાળ ગીતો (bal geeto), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (6) | TrackBack
August 13, 2005
પ્રવીણચંદ્ર શાહ - તમે જશો ત્યારે !
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
સૂરજ-ચાંદ, રાત-પ્રભાત, એમ જ ચાલ્યા કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
સગા, વહાલા, મિત્રો, બસ દિન દસ યાદ કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
પત્ની-પુત્ર-પુત્રી, મા-બાપ, માસ બે માસ યાદ કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
જેમ તમે ભૂલ્યાતા સૌને, તેમ તમને ભૂલી જશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
બધું એમ જ રહેશે, ન કૈં આસ્માની-સુલ્તાની થશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
પ્રવીણ બધું હેમખેમ, ત્યાંનું ત્યાં એમ જ રહેશે.
- પ્રવીણચંદ્ર શાહ
(Pravinchandra Shah - Tame jasho tyare. Poems in Gujarati. Literature and art site)
August 13, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (5) | TrackBack
August 11, 2005
પ્રવીણ પટેલ 'શશી' - ઝબકાર
આંખ બંધ કરું ને દરવાજો દિલનો દેખાય,
લાગે સુંદર સંધુ ને પડછાયો સુર્યનો દેખાય !
આ બરફ, આ ઠંડી, ઠુંઠવાઈને ઠરી ગયા,
વહ્યા વસંતી વાયરા ને ફુટતા ગુલાબો દેખાય !
ગયું તે ખોવાણું, એનો તો શો વસવસો કરવો ?
યાદે જે રહ્યું બાકી, અભરખો આશનો દેખાય !
છલકી છાલક ને તમે તો ભીંજાઈ ગયા,
આંખનાં અફીણી અમે, ઢગલો રૂપનો દેખાય !
નિત્ય-અનિત્યનાં ચક્કરમાં મન ચગડોળે ફરે,
બાજે બંસી, રાધા બાવરી, સ્થિર કાનુડો દેખાય !
કરશો ના વિચાર મારી વેદના-સંવેદનાનો,
મળ્યા મિત્રો, એક રૂચિના, કાવ્યનો કસબો દેખાય !
આંખ બંધ કરું ને દરવાજો દિલનો દેખાય,
લાગે સુંદર સંધુ ને પડછાયો સુર્યનો દેખાય !
-પ્રવીણ પટેલ 'શશી'
(Pravin Patel 'shashi'- Jabkar. Kavita / Poems in Gujarati. Literature and art site)
August 11, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
July 09, 2005
મકરંદ દવે - હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
ઝરણ પર વહેતી
એ રંગીન રમણા !
ખીલ્યાં પોંયણાં સંગ
સોહાગ શમણાં !
અને લોચનોની શમી આજ કેવી
મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો.
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
વિષાદી જો વાદળમાં
એ મુખ લપાતું,
અમારું ત્યાં કેવું
કલેજું કપાતું !
હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,
શું પૃથ્વી પરે�નો આ પડછાયો ઘેરો ?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
હશે ઈન્દ્રપુરની
નવોઢા એ નારી ?
હશે લાડલી
દેવ કેરી દુલારી !
પિતા ! પૂછતી આજ આંખો નિમાણી:
તમારાં રતન રોળવાં શું ઉછેરો ?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
અજાણ્યાં ઝરૂખે
સલૂણી, સુહાની,
ભયાઁ જોબને આ
ઢળી જિંદગાની:
અરે મુક્ત આકાશી પંખીને પીંખે !
શિકારીનો પાષાણી પંજો નમેરો !
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
- મકરંદ દવે (Makrand Dave - Haveli ni pachhal namyo chaando kero. Poems in Gujarati. Literature and art site)
July 9, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
July 05, 2005
બાલમુકુંદ દવે - જૂનું ઘર ખાલી કરતાં
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
'બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !
-બાલમુકુંદ દવે (Balmukund Dave - Juunu ghar khali karta. Poems in Gujarati. Literature and art site)
July 5, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (5) | TrackBack
June 26, 2005
કેશવલાલ હરગોવિંદદાસ શેઠ - ભૂલી પંથ ભમું દિનરાત
ભૂલી પંથ ભમું દિનરાત રે,
કોઇ સંત! બતાવો જી વાટ.
ઊગે સૂરજ વળી આથમે એવી ન્હોતી મારી મૂળ ભોમ;
જ્યોતિ અખંડ ઝગે જહીં જેનાં તેજ ઢળે વીંધી વ્યોમ :
કોઇ સંત બતાવો એ વાટ : ભૂલી...
સંસારને ઊને વાયરે થાયે ઘરઘરના દીપ ગૂલ :
જીવન એવાં અહીંનાં વ્હેંતિયાં, મારે મુલક અમરોનાં કુળ :
કોઇ સંત બતાવો એ વાટ: ભૂલી...
ઉષાને અધરે ખીલતો ને સંધ્યાને કાંઠે વિલાય, :
એવા રે સ્નેહને સોણલે મારું જીવતર ઝોલાં ખાય :
કોઇ સંત બતાવો દિવ્યવાટ : ભૂલી...
પગલેપગલે પાવક પ્રજળે; ને આંખે ઠર્યો અંધકાર;
પામર દેહની પીઠ રહી વહી ભવરણકેરો ભાર:
હવે સંત! દોરો સુરવાટ : ભૂલી...
- કેશવલાલ હરગોવિંદદાસ શેઠ (Keshavlal Hargovinddas Seth - Bhuli panth bhamu din raat. Poems in Gujarati. Literature and art site)
June 26, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
June 25, 2005
ગણપત પરમાર - છે
નરી ઝંખનાથી સભર આ નગર છે
રહો છો તમે તે જગા કાચઘર છે
મહોબત કરી લો તમે આજ મનથી
અહીં કોઇને કાલની ક્યાં ખબર છે
નહીંતર મહેકે નહીં આ હથેળી
મળેલા નવા સ્પર્શની આ અસર છે
પ્રસંગો નવા છે અનુભવ નવા છે
થશે રાહમાં શું? અજાણી સફર છે
નથી કોઇ કારણ હવે દૂરતાનું
વિહગ પાંખશી વિસ્તરેલી નજર છે.
- ગણપત પરમાર (Ganpat Parmar - Chhe. Poems in Gujarati. Literature and art site)
June 25, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
June 23, 2005
પ્રધુમ્ન તન્ના - ફૂલોને
ફાગને ફળિયે ફૂલ બેઠાં બધાં
નાહકનો ભરી દાયરો હો જી,
રંગ-સુગંધનાં મૂલ કરે એવો
ક્યાં છે સોદાગર વાયરો હો જી?
- પ્રધુમ્ન તન્ના (Pradhyumaan Tanna- Fhulo nei. Kavita Shayari in Gujarati. Literature and art site)
June 23, 2005 in કવિતા (kavita), શાયરી (shayari) | Permalink | Comments (0) | TrackBack
June 07, 2005
હરીન્દ્ર દવે - તમે કાલે નૈ તો


-હરીન્દ્ર દવે (Harindra Dave - tame kaale nahi toe. Poems in Gujarati. Literature and art site)
June 7, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
June 04, 2005
પ્રહલાદ પારેખ - ધરતીનાં તપ

-પ્રહલાદ પારેખ (Prahlad Parekh Dharati Na Tap Poems in Gujarati. Literature and art site)
June 4, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
June 02, 2005
તેજસ જોષી - મે તને જોઈ છે
મે તને જોઈ છે
શિયાળાની સવારના તડકામાં
ઘાસની પર બાઝેલા ઝાંકળમાં
તાપણામાંથી ઉડતા તણખલામાં
મોંમાથી નીકળતી વરાળની કુમાશમાં
ફાટી ગયેલા હોઠની દઝાડતી ઝાંયમાં
ચાહમાંથી આવ્તી એલચીની સુગંધમાં
રસ્તા પર બેઠેલી સળેકડી નિર્જનતામાં
વ્રુક્ષમાંથી ચળાઈને આવતા સૂર્યકિરણોમાં
મંદિરમાં વાગતા નગારાનાં નાદમાં
પહાડ પરથી સરકી જતી વાદળીની ભીનાશમાં
પર્વતની ટોચ પર અને ખીણની કિનાર પર
ધુમ્મસમાં સરી જતી ઘટનાઓમાં
રણમાં ઊગતા મ્રુગજળના પાણીમાં
ધૂળની ડમરીમાં અને સૂરજની ગરમીમાં
પહેલા વરસાદની ભીની ખુશ્બુમાં
નળીયેથી ટપકતી ધારમાં
ટ્રેનની બારીમાંથી આવતી વાછ્ટમાં
સપ્તરંગી મેઘધનુષમાં
વરસાદ સાથે 'બેલે' કરતાં વ્રુક્ષોમાં
આખી રાત ટમટમતા આસમાની તારલાઓમાં
પૂનમની ચાંદનીમાં અને અમાસના અંધકારમાં
રોડ ઊપર ઢોળાઈ જતી નિયોન સાઈન લાઈટમાં
ઊગતા સૂરજનાં પહેલા કિરણમાં
વસંતના વ્રુક્ષોની લીલાશમાં
ફૂલોની મદહોશ સુવાસમાં
પતંગિયાની પાંખોથી વિંઝાતી હવામાં
ભમરા અને ફૂલોના સંભોગમાં
બાળકના બોખા હાસ્યમાં
પ્રેમી યુગલની આગોશમાં
-તેજસ જોષી (Tejas Joshi - Mein tane joi chhe. Poems in Gujarati. Literature and art site)
June 2, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (2) | TrackBack
May 25, 2005
પ્રિયકાંત મણિયાર - છેલછબીલે છાંટી

- પ્રિયકાંત મણિયાર (Priyakant Maniyar Chalchabilae Chaati Poems in Gujarati. Literature and art site)
May 25, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
May 23, 2005
દામોદર ખુશાલદાસ બોટાદકર - જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે ... જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે ... જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે ... જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે ... જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે ... જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે ... જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે ... જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે ... જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે ... જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે ... જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
- દામોદર ખુશાલદાસ બોટાદકર (Damodar Khushaldas Botadkar - Janani ni jod. Poems in Gujarati. Literature and art site)
May 23, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (4) | TrackBack
May 21, 2005
રાજેન્દ્ર શાહ - વૈશાખ લાલ

- રાજેન્દ્ર શાહ (Rajendra Shah TVaishakLal.. Poems in Gujarati. Literature and art site)
May 21, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
May 12, 2005
ઉમાશંકર જોષી - ફાગ ખેલો

- ઉમાશંકર જોષી (Umashankar Joshi - Faag Khelo. Poems in Gujarati. Literature and art site)
May 12, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
May 08, 2005
હરીન્દ્ર દવે - વરસાદની મોસમ છે


-હરીન્દ્ર દવે (Harindra Dave - varsad ni mausam chhe. Poems in Gujarati. Literature and art site)
May 8, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
May 07, 2005
નરસિંહ મહેતા - ગોવિંદ ખેલે હોળી

- નરસિંહ મહેતા (Narsinh Mehta - Govind Khele Holi. Poems in Gujarati. Literature and art site)
May 7, 2005 in કવિતા (kavita), પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (0) | TrackBack
May 04, 2005
ખલીલ ધનતેજવી -ઊઘડે
આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.
રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.
પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.
છો ખલીલ ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.
- ખલીલ ધનતેજવી(Khalil Dhantejvi - Uughad. Poems in Gujarati. Literature and art site)
May 4, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
May 02, 2005
નિરંજન ભગત - ચાલ, ફરીએ
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ!
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લે જવા?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
એકલા રહેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચહાવા વિષે; તો આજની ના કાલ કરીએ!
ચાલ ફરીએ!
- નિરંજન ભગત (Niranjan Bhagat - Chaal Faraia. Poems in Gujarati. Literature and art site)
May 2, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
April 30, 2005
નિરંજન ભગત - ફરવા આવ્યો છું
હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
-- રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.
- નિરંજન ભગત (Niranjan Bhagat - Farva aaviyo chhu. Poems in Gujarati. Literature and art site)
April 30, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (4) | TrackBack
April 27, 2005
મીરાં બાઇ - આયો બસંત, કંત ઘર નાહીં

- મીરાં બાઇ (Mira Bai, Meera Bai, Meerabai, Mirabai - aayo vasant. Poems in Gujarati. Literature and art site)
April 27, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (0) | TrackBack
April 23, 2005
નિર્મિશ ઠાકર - નાપાસ વિધાર્થીઓને !
- નિર્મિશ ઠાકર (Nirmish Thakar - Napas Vidhyarthi o ne . Poems in Gujarati. Literature and art site)
April 23, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (2) | TrackBack
April 19, 2005
રમેશ પટેલ (પ્રેમોર્મિ) - આવીને દેતીતું સાદ
કેટલીએ વાર મારા અંતરના બારણાએ આવીને દેતીતું સાદ
સૂતાં કે જાગતાં સ્મરણોના ઓરડામાં આવે છે ગુંજતો એ નાદ
દૂરે અધિક મુજથી, અંગ અંગ તોયે તોયે જાણે કે મારી નજીક
પૂરે અજાણતામાં અંગ થાતાં થાતાં, જાણે કે આતમડો એક
મૌન મહીં મૌન રહીને, હ્રદય નીકુંજે પેલો કેકા કરે મનનો મોર
ત્યારે જાણે મારાં રોમ રોમ જાગી જાતાં, આનંદ આનંદ છોર
- રમેશ પટેલ (પ્રેમોર્મિ) (Ramesh Patel (Premorni) - Aavi ne deti tu saad. Poems in Gujarati. Literature and art site)
April 19, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (2) | TrackBack
April 11, 2005
નિર્મિશ ઠાકર - ફલેટને ત્રીજે માળથી
- નિર્મિશ ઠાકર (Nirmish Thakar - flat ne trijae maal thi . Poems in Gujarati. Literature and art site)
April 11, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (2) | TrackBack
April 06, 2005
'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - આપની યાદી
આપની યાદી
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
- 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi - Aapni Yaadi. Poems in Gujarati. Literature and art site)
April 6, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack
April 01, 2005
મકરંદ દવે - ગમતાંનો કરીએ ગુલાલ
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આં તો વરસે ગગનભરી વ્હાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યા લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
- મકરંદ દવે(Makrand Dave - Gamta no kariyae gulal. Poems in Gujarati. Literature and art site)
April 1, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack
March 31, 2005
દિવાબેન ભટ્ટ - લીલુંછમ
કોઇ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ ...
સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ ...
- દિવાબેન ભટ્ટ (Divaben Bhatt - Lilucham. Poems / Shayari in Gujarati. Literature and art site)
March 31, 2005 in કવિતા (kavita), શાયરી (shayari) | Permalink | Comments (2) | TrackBack
March 29, 2005
કુમુદ પટવા - ક્યાં છે?
આંસુઓનાં પડે પ્રતિબિંબ
એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિનાયે સધળું સમજે
એવાં સગપણ ક્યાં છે ?
- કુમુદ પટવા (Kumud Patva - Kyaa chhe. Poems in Gujarati. Literature and art site)
March 29, 2005 in કવિતા (kavita), વિચારો (vicharo) | Permalink | Comments (3) | TrackBack
March 28, 2005
ભગવતીકુમાર શર્મા - બે મંજીરાં
મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં...
મારે રુદિયે બે મંજીરાં.
- ભગવતીકુમાર શર્મા (Bhagwatikumar Sharma - bae manjira. Poems in Gujarati. Literature and art site)
March 28, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
March 25, 2005
ઇન્તઝાર
જીદગી મારી આજ બની વિરાન છે ..
દિલમાં ઉઠયું આ તે કેવુ તુફાન છે ..
ઉજ્જડ રનમાં કાંટાલા ઠોરની માફક ઉભેલી હું ..
ખબર નથી ક્યાં સુધી ટકીશ?
March 25, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
March 21, 2005
સદાશિવ વ્યાસ - "-"
તમે જેને
કાફલો કહો છો
એ તો ખરેખર -
ભૂલા પડેલા
માણસોનું ટોળું છે.
- સદાશિવ વ્યાસ (Sadashiv Vyas. Poems in Gujarati. Literature and art site)
March 21, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
March 20, 2005
રાવજી પટેલ - ગીત
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....
મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....
- રાવજી પટેલ (Ravji Patel - Geet Mari Aankhe kanku na suraj aathamya. Poems in Gujarati. Literature and art site)
March 20, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack
March 19, 2005
ઉમાશંકર જોષી - ભોમિયા વિના
(ખાસ દર્શનાબહેનની ફરમાઇશ પર)
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં'તાં કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
- ઉમાશંકર જોષી (Umashankar Joshi - Bhomiya Vina mare. Poems in Gujarati. Literature and art site)
March 19, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (4) | TrackBack
March 18, 2005
પ્રિન્સ અમેરીકા - તારી યાદ આવે છે - 1
તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.
એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.
બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.
ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.
શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.
સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.
- પ્રિન્સ અમેરીકા ( PrinceAmerica - tari yaad ave chhe Poems / humor / fun in Gujarati. Literature and art site)
March 18, 2005 in કવિતા (kavita), ગઝલ (ghazal), રમુજ (ramuj) | Permalink | Comments (3) | TrackBack
March 17, 2005
નર્મદ - જય જય ગરવી ગુજરાત!
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
-નર્મદ (Narmad - Jai Jai Garvi Gujarat. Poems Kavita in Gujarati. Literature and art site)
March 17, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink | Comments (3) | TrackBack
March 13, 2005
પ્રિતમદાસ - હરીનો મારગ છે શૂરાનો
હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.
સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.
- પ્રિતમદાસ (Pritamdas- Hari no maarag chhe. Poems in Gujarati. Literature and art site)
March 13, 2005 in કવિતા (kavita), પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti) | Permalink | Comments (1) | TrackBack
March 10, 2005
જગદીપ વિરાણી - આજ ચાંદલિયો
(ખાસ અનુજાબહેનને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
આજ ચાંદલિયો વાદળિયે ક્યાં છુપાયો,
બોલી દે (3) ઓ રજની રાણી ...
વર્ષો વિયોગના વિત્યા પછી આજ
પ્રભુજીનો સંદેશો આવ્યો,
આજ તે આવે પૂનમ રાતે, હૈયે ઉમંગ છવાયો છવાયો ...
યાદ આવે છે તેની વાંસલડી નિશ-દિન
ભણકારા સુર તણા વાગે,
આજ તે વાંસલડી ફરી સુણાવશે, ઉરમાં આનંદ મચાવ્યો મચાવ્યો ...
મોર મુગટને પિતાંબર ધારી, હૈયે વસ્યો છે એ ગીરધારી,
જો સામેથી રથ સોનાનો, આવે આવે દોડ્યો દોડ્યો ...
- જગદીપ વિરાણી (Jaideep Virani - Aaj Chandaliyo Poems in Gujarati. Literature and art site)
March 10, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
March 03, 2005
બાલશંકર કંથારિયા - ગુજારે જે શિરે તારે
આ કાવ્યની એક એક પંક્તિ મને પ્રિય છે અને જીવવા માટેની ચાવી છે.
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
 ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
 જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
 જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
 ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
 દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
 ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
 પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
 પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
 ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
 અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
 અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.
વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
 વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.
રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
 જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
 પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.
કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
 નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.
  - બાલશંકર કંથારિયા (Balshankar Kantharia - Gujara je shira tare. Poems in Gujarati. Literature and art site)
March 3, 2005 in કવિતા (kavita), પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti) | Permalink | Comments (5) | TrackBack
March 02, 2005
'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - એક યાદી આપની !
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી :
જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની !
- 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi - Aek Yaadi aapni Kalapi no Kekaro. Poems in Gujarati. Literature and art site)
March 2, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
February 28, 2005
'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - એક ઘા
એક ઘા
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.
- 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi - Aek Gha Kalapi no Kekaro. Poems in Gujarati. Literature and art site)
February 28, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (4) | TrackBack
February 22, 2005
જગદીશ જોષી - વાતોની કુંજગલી
વાતોની કુંજગલી
વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
- જગદીશ જોષી (Jagdish Joshi - Vaato ni Kunjgali. Poems in Gujarati. Literature and art site)
February 22, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
February 21, 2005
રમેશ પટેલ (પ્રેમોર્મિ) - સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.
તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
મારી રે સાથે જોડાજોડ
તું તો પતંગ રંગ ધેરો ગુલાબી ને
મારો રે રંગ છે અજોડ.
તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
તુંથી બંધાયો "હું" અજોડ.
તેં તો તારે માથે ફૂમતાં લટકાબવીયાંને
મારો એ "માંજો" અજોડ.
તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
છોડે ના "સંગ" તું અજોડ.
- રમેશ પટેલ (પ્રેમોર્મિ) (Ramesh Patel (Premorni) - Sakhi re, mari tu to patang ne hu doar. Poems in Gujarati. Literature and art site)
February 21, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
February 20, 2005
ઝવેરચંદ મેઘાણી - કેવી હશે ને કેવી નૈ
કોઇ દી સાંભરે નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શ્બ્દ સંભળાય -
મા જાણે હીંચ્કોરતી વઇ ગઇ
હાલાંના સૂર થોડા વેરતી ગઇ... કોઇ દી સાંભરે નૈ
- ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani - kevi hashae ne kavi nahi. Poems in Gujarati. Literature and art site)
February 20, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
February 19, 2005
મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો ...
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો ...
બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો ...
- મીરાં બાઇ સાંભળો (click to listen)(Mira Bai, Meera Bai, Meerabai, Mirabai - Junu re thayu re deval. Poems in Gujarati. Literature and art site)
February 19, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink | Comments (4) | TrackBack
February 17, 2005
લોક સાહિત્ય - દેવના દીધેલ
તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઇને રો’ !
તમે મારું નગદ નાણું છો,
તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઇને રો’ !
લોક સાહિત્ય - દેવના દીધેલ (Lok Sahitya - Tame mara dev na didhael chho. Poems in Gujarati. Literature and art site)
February 17, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya), હાલરડું (halardu) | Permalink | Comments (4) | TrackBack
February 16, 2005
નરસિંહ મહેતા - વૈષ્ણવ જન
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે
વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે
-નરસિંહ મહેતા સાંભળો (click to listen)(Narsi Mehta - Vaishnava Jan. Poems in Gujarati. Literature and art site)
February 16, 2005 in કવિતા (kavita), સંગીત સાથે (audio) | Permalink | Comments (2) | TrackBack
February 15, 2005
જગદીશ જોષી - અમે
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કુવો ભરીને અમે રોઇ પડયાં.
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઇ અમને નડયાં.
કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ !
કૂવો ભરીને અમે એટલું રડયાં
કે ખોબો ભરીને અમે મોહી પડયાં.
- જગદીશ જોષી (Jagdish Joshi - Amae. Poems in Gujarati. Literature and art site)
February 15, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (7) | TrackBack
February 12, 2005
માલા કાપડિયા
![]()
કદાચ તારી ઇચ્છા
મને અફાટ આકાશ આપવાની છે
નાની નાની આકાંક્ષાઓમાં
હું અટવાઇ જાઉ એ તને ન ગમે
પણ પ્રિય,
પંખીને આકશ કરતાં
નીડ વધુ ગમે
એ તું જાણે છે? (Mala Kapadia - Best Poetess. Poems in Gujarati. Literature and art site)
February 12, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
February 08, 2005
એન. ર. આઇ. ફાધર્સ ડે
(ખાસ તૂષારભાઇની ફરમાઇશ પર)

(Himanshu Bhatt Poems in Gujarati)
February 8, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (4)
February 01, 2005
મકરંદ દવે નું નિધન શબ્દો સ્તબ્ધ

(Makrand Dave - Zindagi ni aa majal ma. Poems in Gujarati. Literature and art site)
February 1, 2005 in કવિતા (kavita), સમાચાર (samachar) | Permalink | Comments (2)
January 31, 2005
હિમાંશુ ભટ્ટ
(Himanshu Bhatt - Aekalta. Poems in Gujarati. Literature and art site)
January 31, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (5)
January 30, 2005
કલાપી
જ્યાં જ્યાં નજર મારી ઠરે છે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીયે આંખ થી યાદી ઝરે છે આપની (Kalapi. Poems in Gujarati. Literature and art site)
January 30, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (4)
January 29, 2005
જગદીશ જોષી
ધારો કે એક સાંજ આપણે મળયાં અને આપણે હળયાં
પણ આખા આ આયખાનું શું ? (Jagdish Joshi - dharo ke aek. Poems in Gujarati. Literature and art site)
January 29, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (9)