« August 2005 | Main | October 2005 »

September 28, 2005

ઝવેરચંદ મેઘાણી - કોઇ નો લાડકવાયો

'સમબડિઝ ડાર્લિંગ'નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સ્ત્રી જેવું છે. સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.

          - ઝવેરચંદ મેઘાણી
(click here for the original poem by Marie La Coste - Somebody's Darling) (Jhaverchand Meghani - Koi no Ladakvayo Poems in Gujarati. Literature and art site)

September 28, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (5) | TrackBack

September 27, 2005

અમર પાલનપુરી - એક ઉઝરડે

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે;
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે!

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ -
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે!

કહેશે કોણ ઝવેરી તમને?
ફેંકી દીધાં રત્ન ઉકરડે!

રાખ્યું નામ અમર એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે?

          - અમર પાલનપુરી
(Amar Palanpuri- Aek Ujardae. Ghazals in Gujarati. Literature and art site)

September 27, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (4) | TrackBack

September 23, 2005

કેવો મારો વટ પડે છે.

બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.
નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.

સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.
પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.

એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.
ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.

         (bal geeto, ramuj, lok sahitya in Gujarati. Literature and art site)

September 23, 2005 in બાળ ગીતો (bal geeto), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (0) | TrackBack

September 22, 2005

રાજેન્દ્ર શુક્લ - ગઝલ

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.

ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.

ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.

અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.

         - રાજેન્દ્ર શુકલા (Rajendra Shukla Ghazal. Ghazal news in Gujarati. Literature and art site)

September 22, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (0) | TrackBack

September 19, 2005

મુકેશ જોષી - ચોમાસું

લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં
         માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
         બાઝી પડ્યો રે વરસાદ.

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
         ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
         કોયલના કંઠમાં નીકળી ગઇ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
         ધરતી આવી ગઇ યાદ...

ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઇને
         નદીઓ પણ દોડી ગઇ દરીઆની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
         પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી
         આભલામાં જાગ્યો ઉંન્પાદ ...

         - મુકેશ જોષી
(Mukesh Joshi - Chaumasu. Poems in Gujarati. Literature and art site)

September 19, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack

September 15, 2005

રાજેન્દ્ર શુક્લ - ગઝલ-સંહિતા

તા- 4-9-2005 ના રોજ અમદાવાદના ગજ્જર હોલમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની 450 જટલી ગઝલો “ગઝલ-સંહિતા” નામે 5 ભાગમાં પ્રકટ થઇ છે. આ પ્રકાશન અને આનુસાંગિક જવાબદારી કવિનાં તીવ્ર ચાહકો અને નજીકનાં મિત્રોને આભારી છે. સમગ્ર સંગ્રહ નીચેનાં સરનામેથી મળી શકશે. (મૂલ્ય: 300 Rs)

સહ્રદય પ્રકાશન
714, આનંદ મંગલ -3
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આંબાવાડી, અમદાવાદ-380006

Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755

September 15, 2005 in સમાચાર (samachar) | Permalink | Comments (1) | TrackBack

September 14, 2005

સૈફ પાલનપુરી - નામ

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં
                  ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો
                  - શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી'તી
                  થોડાક ખુલાસા કરવા'તા,
ઓ મોત જરા રોકાઇ જતે -
                  બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યોતો
                  ને મારી સફર ચર્ચાઇ ગઇ,
કંઇ મંઝિલ પણ મશહૂર હતી
                  - કંઇ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમીસાંજે મારે
                  જખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછા પાનાં જોઇ શક્યો,
                  બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠાં છે એ
                  "સૈફ" છે મિત્રો જાણો છો?
કેવો ચંચલ જીવ હતો
                  ને કેવાં રમતાંરામ હતાં!

          - સૈફ પાલનપુરી
(Saif Palanpuri- Naam. Ghazals / Vicharo in Gujarati. Literature and art site)

September 14, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (1) | TrackBack

September 13, 2005

સૈફ પાલનપુરી - નામ

(ખાસ દિપિકાબહેન અને મેહુલભાઇને આભારી છીએ આ ગઝલ પંક્તિ મોકલવા બદલ)


જીવનની સમીસાંજે મારે
                  જખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછા પાનાં જોઇ શક્યો,
                  બહુ અંગત અંગત નામ હતાં.

          - સૈફ પાલનપુરી
(Saif Palanpuri- Naam. Ghazals / Vicharo in Gujarati. Literature and art site)

September 13, 2005 in ગઝલ (ghazal), વિચારો (vicharo) | Permalink | Comments (2) | TrackBack

September 05, 2005

દિનેશ કોઠારી - ગૌરવ

ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમ તો વગડાઇ તોયે ફૂલ છું,
                           કાંટો નથી.

          - દિનેશ કોઠારી
(Dinesh Kothari - Gaurav. Poems in Gujarati. Literature and art site)

September 5, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack

September 03, 2005

પ્રિયકાંત મણિયાર - આછી જાગી સવાર,

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. - આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર - આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર - આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર - આછી

         - પ્રિયકાંત મણિયાર, ‘પ્રતિક’માંથી (Priyakant Maniyar - Aachi jagi savar. Poems in Gujarati. Literature and art site)

September 3, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack