October 17, 2005
અનામિ - ' હા' 'ના'
- અનામિ (Aanami - Ha Na. Poems in Gujarati. Literature and art site)
October 17, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
October 01, 2005
હરીન્દ્ર દવે - ને તમે યાદ આવ્યાં
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
-હરીન્દ્ર દવે (Harindra Dave - ne tame yaad aviya. Poems in Gujarati. Literature and art site)
October 1, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (2) | TrackBack
September 28, 2005
ઝવેરચંદ મેઘાણી - કોઇ નો લાડકવાયો
'સમબડિઝ ડાર્લિંગ'નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સ્ત્રી જેવું છે. સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.
- ઝવેરચંદ મેઘાણી
(click here for the original poem by Marie La Coste - Somebody's Darling) (Jhaverchand Meghani - Koi no Ladakvayo Poems in Gujarati. Literature and art site)
September 28, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (5) | TrackBack
September 19, 2005
મુકેશ જોષી - ચોમાસું
લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.
પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઇ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઇ યાદ...
ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઇ દરીઆની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉંન્પાદ ...
- મુકેશ જોષી
(Mukesh Joshi - Chaumasu. Poems in Gujarati. Literature and art site)
September 19, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack
September 05, 2005
દિનેશ કોઠારી - ગૌરવ
ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમ તો વગડાઇ તોયે ફૂલ છું,
કાંટો નથી.
- દિનેશ કોઠારી
(Dinesh Kothari - Gaurav. Poems in Gujarati. Literature and art site)
September 5, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
September 03, 2005
પ્રિયકાંત મણિયાર - આછી જાગી સવાર,
આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. - આછી
પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર - આછી
લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર - આછી
ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર - આછી
- પ્રિયકાંત મણિયાર, ‘પ્રતિક’માંથી (Priyakant Maniyar - Aachi jagi savar. Poems in Gujarati. Literature and art site)
September 3, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
September 02, 2005
દલપતરામ - ઊંટ
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
- દલપતરામ (Dalpatram - Uut Poems in Gujarati. Literature and art site)
September 2, 2005 in કવિતા (kavita), બાળ ગીતો (bal geeto), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (6) | TrackBack
August 13, 2005
પ્રવીણચંદ્ર શાહ - તમે જશો ત્યારે !
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
સૂરજ-ચાંદ, રાત-પ્રભાત, એમ જ ચાલ્યા કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
સગા, વહાલા, મિત્રો, બસ દિન દસ યાદ કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
પત્ની-પુત્ર-પુત્રી, મા-બાપ, માસ બે માસ યાદ કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
જેમ તમે ભૂલ્યાતા સૌને, તેમ તમને ભૂલી જશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
બધું એમ જ રહેશે, ન કૈં આસ્માની-સુલ્તાની થશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
પ્રવીણ બધું હેમખેમ, ત્યાંનું ત્યાં એમ જ રહેશે.
- પ્રવીણચંદ્ર શાહ
(Pravinchandra Shah - Tame jasho tyare. Poems in Gujarati. Literature and art site)
August 13, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (5) | TrackBack
August 11, 2005
પ્રવીણ પટેલ 'શશી' - ઝબકાર
આંખ બંધ કરું ને દરવાજો દિલનો દેખાય,
લાગે સુંદર સંધુ ને પડછાયો સુર્યનો દેખાય !
આ બરફ, આ ઠંડી, ઠુંઠવાઈને ઠરી ગયા,
વહ્યા વસંતી વાયરા ને ફુટતા ગુલાબો દેખાય !
ગયું તે ખોવાણું, એનો તો શો વસવસો કરવો ?
યાદે જે રહ્યું બાકી, અભરખો આશનો દેખાય !
છલકી છાલક ને તમે તો ભીંજાઈ ગયા,
આંખનાં અફીણી અમે, ઢગલો રૂપનો દેખાય !
નિત્ય-અનિત્યનાં ચક્કરમાં મન ચગડોળે ફરે,
બાજે બંસી, રાધા બાવરી, સ્થિર કાનુડો દેખાય !
કરશો ના વિચાર મારી વેદના-સંવેદનાનો,
મળ્યા મિત્રો, એક રૂચિના, કાવ્યનો કસબો દેખાય !
આંખ બંધ કરું ને દરવાજો દિલનો દેખાય,
લાગે સુંદર સંધુ ને પડછાયો સુર્યનો દેખાય !
-પ્રવીણ પટેલ 'શશી'
(Pravin Patel 'shashi'- Jabkar. Kavita / Poems in Gujarati. Literature and art site)
August 11, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
July 09, 2005
મકરંદ દવે - હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
ઝરણ પર વહેતી
એ રંગીન રમણા !
ખીલ્યાં પોંયણાં સંગ
સોહાગ શમણાં !
અને લોચનોની શમી આજ કેવી
મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો.
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
વિષાદી જો વાદળમાં
એ મુખ લપાતું,
અમારું ત્યાં કેવું
કલેજું કપાતું !
હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,
શું પૃથ્વી પરે�નો આ પડછાયો ઘેરો ?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
હશે ઈન્દ્રપુરની
નવોઢા એ નારી ?
હશે લાડલી
દેવ કેરી દુલારી !
પિતા ! પૂછતી આજ આંખો નિમાણી:
તમારાં રતન રોળવાં શું ઉછેરો ?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
અજાણ્યાં ઝરૂખે
સલૂણી, સુહાની,
ભયાઁ જોબને આ
ઢળી જિંદગાની:
અરે મુક્ત આકાશી પંખીને પીંખે !
શિકારીનો પાષાણી પંજો નમેરો !
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
- મકરંદ દવે (Makrand Dave - Haveli ni pachhal namyo chaando kero. Poems in Gujarati. Literature and art site)
July 9, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack